વિદેશ જઈને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની ઘેલછામાં વધુ એક યુવક ઠગાઈનો ભોગ બન્યો છે. લંડન મોકલવાના નામે એક વિઝા એજન્ટે યુવક સાથે રૂ. 24.25 લાખની માતબર રકમની છેતરપિંડી આચરી હતી. લાખો રૂપિયા ગુમાવ્યા બાદ માનસિક તણાવમાં આવેલા પીડિત યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્વજનો દ્વારા યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘર ગિરવે મૂકીને એજન્ટને નાણાં ચૂકવ્યા

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, લંડનના વિઝા મેળવવા માટે યુવકે પોતાના પરિવારનું ઘર ગિરવે મૂકીને એજન્ટને લાખો રૂપિયા ચૂકવ્યા હતા. નાણાં મેળવી લીધા બાદ પણ લાંબા સમય સુધી વિઝા ન મળતા અને એજન્ટે હાથ ઊંચા કરી દેતા યુવક ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગયો હતો. એક તરફ ઘર ગિરવે હોવાનું જોખમ અને બીજી તરફ એજન્ટ દ્વારા થયેલી ઠગાઈને કારણે યુવક ભાંગી પડ્યો હતો અને અંતે આ ખોફનાક પગલું ભરવા મજબૂર બન્યો હતો.

સ્યુસાઈડ નોટમાં 3 શખ્સો સામે ગંભીર આક્ષેપ

આપઘાતના પ્રયાસ બાદ પોલીસને યુવક પાસેથી એક હસ્તલિખિત નોટ (સ્યુસાઈડ નોટ) મળી આવી છે, જેમાં તેણે વિઝા એજન્ટ સહિત કુલ 3 શખ્સો સામે છેતરપિંડી અને માનસિક ત્રાસ આપવાના ગંભીર આક્ષેપો કર્યા છે. પોલીસે આ હસ્તલિખિત ચિઠ્ઠી કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા યુવકની સ્થિતિ સુધરે ત્યારબાદ તેનું નિવેદન નોંધવામાં આવશે, જ્યારે નોટમાં દર્શાવેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ મનપાના CFO અમિત ડોંગરે ટર્મિનેટ, રૂ.36 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા