ગુજરાતમાં ગુનાખોરી ડામવા સહિત આતંકવાદી તેમજ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અનેક વખત સામે આવી ચૂકી છે. આવી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે રાજ્યના પોલીસ વડાએ ગુજરાતની પોલીસને એલર્ટ કરી દીધી છે. 8મી નવેમ્બરે ગાંધીનગરમાંથી પકડાયેલા ત્રણ આતંકીઓની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના પોલસ વડા વિકાસ સહાયે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં ઝડપાયેલા લોકોનું ચેકિંગ કરવા આદેશ કર્યો છે.
રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં ઝડપાયેલાનું ચેકિંગ થશે
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આઠમી નવેમ્બરના રોજ ત્રણ આતંકીને ATS દ્વારા ઝડપી લેવાયા હતાં. ત્યાર બાદ ફરિદાબાદમાં પણ આતંક વિરોધી પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો હતો. જેથી ગુજરાતમાં આ પ્રકારની પ્રવૃત્તિને રોકવા માટે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષમાં આતંકવાદી કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં જે ગુનાઓ દાખલ થયા હોય તે આરોપીઓનું વેરિફિકેશન કરવા માટે પોલીસને આદેશ આપવામાં આવ્યો છે.













