ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા એક સનસનાટીપૂર્ણ આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી (ગુલામી) કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી વિદેશમાં મોટી નોકરીની લાલચ આપીને ગુજરાતના યુવાનોને પોતાનો શિકાર બનાવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ગુજરાતના 10 થી 12 જેટલા લોકો આ ફ્રોડનો ભોગ બન્યા છે. આરોપી આ ભોગ બનનાર યુવાનોને પહેલા લલચાવીને થાઈલેન્ડ લઈ જતો હતો, જ્યાં પહોંચતાની સાથે જ તેમના પાસપોર્ટ કબજે કરી લેવામાં આવતા હતા, જેથી તેઓ ત્યાંથી ભાગી ન શકે.
મેઈલ નદી પાર કરાવી મ્યાનમારમાં બંધક બનાવ્યા
થાઈલેન્ડ પહોંચ્યા પછી, આરોપીઓનું નેટવર્ક યુવાનોને વધુ જોખમી પરિસ્થિતિ તરફ ધકેલતું હતું. તેઓ આ યુવાનોને ગેરકાયદેસર રીતે થાઈલેન્ડ અને મ્યાનમારની સરહદ પર આવેલી મેઈલ નદી પાર કરાવીને મ્યાનમાર લઈ જતા હતા. મ્યાનમારમાં આ યુવાનોને એક જગ્યાએ ગોંધી રાખીને તેમની પાસે વિવિધ પ્રકારના ગેરકાયદેસર સાયબર ફ્રોડ કરાવવામાં આવતા હતા. જેમાં મુખ્યત્વે ક્રિપ્ટોકરન્સી, ફિશિંગ (Phishing) સ્કીમ અને પોન્ઝી સ્કીમ જેવી છેતરપિંડીભરી યોજનાઓમાં રોકાણ કરાવવાનું કે અન્ય લોકોને ફસાવવાનું કામ સામેલ હતું. યુવાનોને ત્યાં બંધક બનાવીને તેમની પાસે આ ગેરકાયદેસર કામો કરાવવામાં આવતા હતા.













