ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે મગફળી સહિત અન્ય પાકોની ખરીદી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. અગાઉ 1 નવેમ્બરથી ખરીદી શરૂ થવાની હતી, પરંતુ રાજ્યમાં પડેલા માવઠા (અનિયમિત વરસાદ) ને કારણે મગફળીની ખરીદી મોકૂફ રાખવામાં આવી હતી. હવે કૃષિમંત્રીએ જાહેરાત કરી છે કે, 9 નવેમ્બર થી રાજ્યના તમામ જિલ્લાઓમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની ખરીદી શરૂ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, માત્ર રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોની જ મગફળી ખરીદવામાં આવશે અને તેમને ખરીદી માટે નક્કી કરાયેલા કેન્દ્રો પર મેસેજ કરીને બોલાવવામાં આવશે, જેથી ખેડૂતોને હાલાકી ન પડે.


ગત વર્ષ કરતા ક્વિન્ટલ દીઠ રૂપિયા 480નો ભાવ વધારો

ખેડૂતોને આર્થિક ટેકો મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 480 નો વધારો કરવામાં આવ્યો છે, જે ખેડૂતો માટે મોટી રાહત સમાન છે. ખરીદીના જથ્થા અંગે તેમણે જણાવ્યું કે, ખેડૂત દીઠ 125 મણ (2500 કિલો) મગફળીની ખરીદી કરવામાં આવશે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે 25 ટકા મગફળીની ખરીદીનો નિયમ છે, પરંતુ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વધુ જથ્થો ખરીદવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત પણ કરી છે.

વાવેતર અને રજિસ્ટ્રેશન વધુ, જરૂર પડ્યે વધુ કેન્દ્રો ખોલવાની તૈયારી

કૃષિમંત્રીએ માહિતી આપી કે, ગત વર્ષ કરતાં આ વખતે મગફળીનું વાવેતર તેમજ ખેડૂતોનું રજિસ્ટ્રેશન બંનેમાં વધારો થયો છે. ખેડૂતોનો વધુ જથ્થો વેચી શકાય તે માટે સરકાર સંપૂર્ણ રીતે પ્રયત્નશીલ છે. તેમણે ખાતરી આપી કે, કેન્દ્ર સરકારના ધારાધોરણ અને નિયમો પ્રમાણે જ ખરીદી કરવામાં આવશે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાઘાણીએ જણાવ્યું કે, જો ખરીદ કેન્દ્રો પર વધુ ભીડ જણાશે અથવા ખેડૂતોને દૂર જવું પડે તેમ હશે, તો સરકાર દ્વારા જરૂર જણાશે તો વધુ ખરીદ કેન્દ્રો ખોલવામાં આવશે. આમ, સરકાર ખેડૂતોને ટેકાના ભાવનો લાભ સરળતાથી મળે તે માટે તત્પર છે.

કૃષિમંત્રી જીતુ વાઘાણીનું સહાય પેકેજ અને રાજનીતિ અંગે નિવેદન

ગુજરાતના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પાકને થયેલા નુકસાન અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોની સાથે છે અને તેમને બેઠા કરવાનો સમય છે. તેમણે માહિતી આપી હતી કે 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું છે અને 16 હજાર ગામોમાં પંચરોજ કામગીરી પૂર્ણ કરીને તમામ જિલ્લામાંથી અહેવાલ આવી ગયા છે. વાઘાણીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીએ સંવેદના સાથે માર્ગદર્શન કર્યું છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર બંને ખેડૂતોને સહાય કરશે. આ ઉપરાંત, તેમણે કોંગ્રેસની યાત્રા અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે આ સમયે રાજનીતિ કર્યા વગર બધાએ ખેડૂતોને સાથ આપવાની જરૂર છે.



  • Follow us on: