ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા અને હોબાળો મચાવવા બદલ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પેથાપુર પોલીસ સ્ટેશનના PI દેસાઈ પોતે આ મામલે ફરિયાદી બન્યા છે.
પોલીસ સ્ટેશનમાં બબાલ કરી પોલીસની ફરજમાં દખલગીરી કરવાના આક્ષેપ સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ FIR માં જિગ્નેશ મેવાણી ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર સૂર્યસિંહ ડાભી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે ગાંધીનગર અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે અને પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
કઈ-કઈ ગંભીર કલમો હેઠળ નોંધાયો ગુનો?
ગાંધીનગર પોલીસે જીગ્નેશ મેવાણી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
- કલમ 189(2): ગેરકાયદેસર મંડળી ભેગી કરવી
- કલમ 190: સમાન ઉદ્દેશ્ય માટે સામૂહિક જવાબદારી
- કલમ 191(2): રમખાણ કરવા બદલ
- કલમ 221: સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ ઉભી કરવી
- કલમ 351(2): ગુનાહિત ધમકી આપવી
- કલમ 352: શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અપમાન કરવું
- કલમ 353(1)(b): જનતામાં ભય કે અફવા ફેલાવવી
- કલમ 353(1)(c): કોઈ વર્ગ કે સમુદાયને ઉશ્કેરવાના ઈરાદાથી જૂઠ્ઠી માહિતી ફેલાવવી
- કલમ 353(2): વિવિધ સમુદાયો વચ્ચે વૈમનસ્ય કે ધૃણા ફેલાવવી
FIR માં પોલીસે શું કર્યા ગંભીર આક્ષેપો?
એફઆઈઆરની વિગતો અનુસાર, 9 ઓક્ટોબરના રોજ ગાંધીનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પેથાપુર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના ઉમેદવાર સામે મળેલી અરજી સંદર્ભે તેમનું નિવેદન નોંધાઈ રહ્યું હતું. તે સમયે જીગ્નેશ મેવાણી પોતાના સમર્થકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે માત્ર પોલીસની કામગીરીમાં અડચણ જ ઊભી નહોતી કરી, પરંતુ અશોભનીય ભાષાનો ઉપયોગ કરીને તથ્યો વગરના ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી ગુમરાહ કરવાનો આરોપ
પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સમાજમાં વૈમનસ્ય અને અશાંતિ ફેલાય તેવા નિવેદનો આપીને તેને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વાયરલ પણ કરવામાં આવ્યા હતા, જેથી લોકોને ગુમરાહ કરી શકાય. ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિધાનસભામાં વંદે માતરમના અપમાનના મામલે કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા સામે પણ અધ્યક્ષ શંકર ચૌધરીએ વિશષાધિકાર સમિતિને તપાસના આદેશ આપ્યા હતા, ત્યારે હવે જીગ્નેશ મેવાણી સામે કાનૂની શિકંજો કસાતાં રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.









