નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા દેશના પાંચ રાજ્યોમાં આતંકવાદી ષડયંત્ર કેસના સંબંધમાં એકસાથે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. NIAની ટીમે ગુજરાત, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય અને હરિયાણા સહિત કુલ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ગુજરાતમાં NIAની ટીમે વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને મહત્વની માહિતી અને પુરાવાઓ એકઠા કર્યા હતા. આ ઓપરેશન આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલ અને તેમના સ્થાનિક સંપર્કોના નેટવર્કના તાર શોધવા માટેનું એક મોટું પગલું છે.
ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત
NIA દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન, તપાસ ટીમે આરોપીઓ અને શંકાસ્પદ વ્યક્તિઓના ઠેકાણેથી અનેક ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ જપ્ત કરાયેલ ડિજિટલ ઉપકરણોમાં મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય સ્ટોરેજ ડિવાઇસનો સમાવેશ થાય છે, જે આતંકવાદી ષડયંત્રની ગતિવિધિઓ અને તેના સંચાલન અંગેની મહત્વની માહિતી પૂરી પાડી શકે છે. NIA હવે આ તમામ પુરાવાઓનું વિશ્લેષણ કરીને આતંકવાદી નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહી છે.













