ગીર સોમનાથ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની કામગીરી હવે ગંભીર સવાલો અને શંકાના ઘેરામાં આવી ગઈ છે. પ્રભાસ પાટણના બાલાજી નગર વિસ્તારમાં એલસીબી દ્વારા કરવામાં આવેલી જુગારની એક રેડને લઈને સ્થાનિક સ્તરે અનેક વિવાદો સામે આવ્યા છે. રેડની વાસ્તવિક સ્થિતિ અને પોલીસ ચોપડે નોંધાયેલી એફઆઈઆરની વિગતો વચ્ચે જમીન-આસમાનનો તફાવત હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસ તંત્રની પારદર્શકતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો સર્જાયા છે.

તફાવતને લઈને હવે અનેક તર્ક-વતર્ક શરૂ થઈ ગયા

પ્રાપ્ત વિગતો અનુસાર, બાલાજી નગર ખાતે થયેલી આ રેડમાં સ્થળ પરથી ચાર પુરુષો અને ચાર મહિલાઓ મળીને કુલ આઠ વ્યક્તિઓ ઝડપાયા હોવાની ચર્ચાઓ વ્યાપકપણે ફેલાઈ હતી. જો કે, આશ્ચર્યની વાત એ છે કે પોલીસ દ્વારા નોંધવામાં આવેલી સત્તાવાર એફઆઈઆરમાં માત્ર ત્રણ જ પુરુષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તફાવતને લઈને હવે અનેક તર્ક-વતર્ક શરૂ થઈ ગયા છે અને સવાલ એ ઉઠી રહ્યો છે કે જો સ્થળ પર મહિલાઓ પણ હાજર હતી અને પકડાઈ હતી તો પછી ફરિયાદમાંથી મહિલાઓના નામ કેમ ગાયબ કરી દેવામાં આવ્યા? મહિલાઓ સામે કોઈ જ કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? તેવો સવાલ ફરિયાદ સામે ઉઠાવવામાં આવ્યો છે.

એફઆઈઆરમાં માત્ર 9400 રૂપિયા જ દર્શાવવામાં આવ્યા

આ ઉપરાંત રેડના સ્થળને લઈને આક્ષેપ કરવામાં આવ્યો છે કે વાસ્તવિક રેડ એક રહેણાંક મકાનની અંદર પાડવામાં આવી હતી. પરંતુ પોલીસની એફઆઈઆરમાં આ જુગારની પ્રવૃત્તિ કોઈ બંધ મકાનને બદલે ખુલ્લા જાહેર રોડ પર ચાલતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સ્થળ અને કાર્યવાહીની આ વિસંગતતા સમગ્ર રેડની સચ્ચાઈ પર શંકા ઉપજાવે છે. બીજી તરફ રેડ દરમિયાન સ્થળ પરથી મોટી રકમની રોકડ રકમ મળી આવી હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. પરંતુ જ્યારે સત્તાવાર મુદ્દામાલની વાત આવી ત્યારે એફઆઈઆરમાં માત્ર 9400 રૂપિયા જ દર્શાવવામાં આવ્યા છે. આટલી મોટી રકમ ક્યાં ગાયબ થઈ અથવા તો હકીકતમાં શું મળ્યું હતું તે અંગે પણ તપાસની માંગ થઈ રહી છે.

મુખ્યમંત્રી સુધી પત્ર લખીને તપાસની માગ કરાઈ

નિયમ મુજબ આવી રેડ વખતે થતી ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી આ કેસમાં કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. આ અંગે કેટલાક ટેકનિકલ કારણો આગળ ધરવામાં આવ્યા છે, જેની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠી છે. સમગ્ર મામલાની સત્યતા બહાર લાવવા માટે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તાત્કાલિક સુરક્ષિત કરીને તેની ઝીણવટભરી તપાસ કરવાની માંગ કરાઈ છે. સ્ટેશન ડાયરી, પંચનામું, જીડી એન્ટ્રી અને મુદ્દામાલના રેકોર્ડની પણ કડક ચકાસણી કરવામાં આવે તેવી રજૂઆત થઈ છે. આ ગંભીર અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક અગ્રણી પ્રકાશ વાયલું દ્વારા રાજ્યના પોલીસ વડા (DGP), રેન્જ આઈજી (DIGP), ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિતમાં સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી