સુરતની જાણીતી પીપી સવાણી સ્કૂલની હોસ્ટેલમાં ભોજન લીધા બાદ અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓને ખોરાકી ઝેર (ફૂડ પોઈઝનિંગ) ની અસર થતાં ભારે હડકંપ મચી ગયો છે. ઘટનાની ગંભીરતા હોવા છતાં શાળા સંચાલકો દ્વારા સુરત મહાનગરપાલિકા (SMC) ને સમયસર જાણ કરવામાં આવી નહોતી. તંત્રને મોડી માહિતી આપવાની આ ગંભીર અણઘડતા અને બેદરકારી બદલ મનપાએ લાલ આંખ કરીને સ્કૂલ સંચાલકોને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે.
રસોઈયાઓના મેડિકલ સર્ટિફિકેટ ગાયબ
મનપાના ફૂડ વિભાગ દ્વારા હોસ્ટેલના રસોડા (કિચન) માં તપાસ હાથ ધરવામાં આવતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. રસોડામાં ખોરાક બનાવતા અને પીરસતા કેટલાક ફૂડહેન્ડલર્સ પાસે જરૂરી મેડિકલ સર્ટિફિકેટ પણ નહોતા. વિદ્યાર્થીઓ માટે અપાતા ભોજનની ગુણવત્તા અને રસોડામાં અસ્વચ્છતા અંગે ગંભીર ખામીઓ ખુલ્લી પડતાં વાલીઓ અને સ્થાનિકોમાં સ્કૂલ પ્રશાસન સામે ભારે રોષ વ્યાપી ગયો છે.
