ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ના નામે એક વેપારીનું કથિત અપહરણ અને લૂંટ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો મુજબ, નંબર પ્લેટ વગરની સફેદ રંગની સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખ SOG કર્મચારી તરીકે આપી હતી. આ શખ્સોએ વેપારીને જબરદસ્તી કારમાં બેસાડીને ઉઠાવી ગયા હતા. કારમાં વેપારીને માર મારીને તેના ખિસ્સામાંથી રોકડ રકમ ઝૂંટવી લેવામાં આવી હતી અને તેને છોડવાના બદલામાં રૂ. 10 લાખની માંગણી કરવામાં આવી હતી.
લોકોએ પીછો કરતાં ગીરગઢડા પુલ પાસે વેપારીને છોડી ફરાર
અપહરણકારો વેપારીને ઉનાથી ઉઠાવીને ગીરગઢડા પુલ તરફ લઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ કેટલાક સ્થાનિક લોકો અને રાહદારીઓએ શંકાસ્પદ સ્વિફ્ટ કારનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. પીછો કરી રહેલા લોકોએ ગીરગઢડા પુલ પાસે સાહસ બતાવીને કારને રોકાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકોની ઘેરાબંધી અને પકડાઈ જવાના ડરથી અપહરણકારો વેપારીને રસ્તામાં જ છોડીને પોતાની કાર લઈને વેરાવળ-કોડીનાર તરફ ભૂર્રાટાભેર ફરાર થઈ ગયા હતા.
