હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં તસ્કરો એક બંધ મકાનમાંથી રૂ. 8.04 લાખની મત્તા ચોરીને આસાનીથી ફરાર થઈ ગયા છે. મકાન માલિક કોઈ કામ અર્થે બહાર ગયા હોવાથી ઘર બંધ હતું, જેનો સીધો લાભ તસ્કર ટોળકીએ ઉઠાવ્યો હતો.
રસોડાની જાળી તોડી અંદર પ્રવેશ્યા
પોલીસ મથકે નોંધાયેલી સત્તાવાર ફરિયાદ અનુસાર, તસ્કરોએ મકાનના પાછળના ભાગે આવેલા રસોડાને નિશાન બનાવ્યું હતું. રસોડાની મજબૂત લોખંડની જાળીને કોઈ તીક્ષ્ણ હથિયાર કે સાધન વડે તોડી નાખવામાં આવી હતી અને ચોર ટોળકી અંદર પ્રવેશી હતી. ઘરમાં ઘૂસ્યા બાદ તસ્કરોએ મુખ્ય રૂમમાં રાખેલી તિજોરીને ટાર્ગેટ કરી હતી. તિજોરીના તાળાં તોડીને તેમાં રહેલો તમામ સામાન વેરવિખેર કરી નાખવામાં આવ્યો હતો. ચોર ઈસમો તિજોરીમાંથી ૫ તોલાથી વધુ સોનાના દાગીના, આશરે 700 ગ્રામ ચાંદી અને રાખેલી 24 હજાર રૂપિયાની રોકડ રકમ ચોરી ગયા હતા.










