ભાવનગર શહેરમાં મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. શહેરના રિંગ રોડ પર આવેલા શ્રીજી પાર્ટી પ્લોટની સામેથી એક બાઇક પર સવાર બે યુવકો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી એક બેફામ અને પુરપાટ ઝડપે દોડતી કારના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે બાઇક સવારોને ફંગોળ્યા બાદ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર રોડની સાઇડમાં ઊભેલા એક બંધ ટેન્કરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.


ધડાકો સાંભળી લોકો દોડી આવ્યા

મધરાતે સર્જાયેલા આ અકસ્માતનો અવાજ એટલો ભયાનક અને પ્રચંડ હતો કે આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોતજોતામાં ત્યાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. કાર અને બાઇકનો કુરચો બોલી ગયો હતો. સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરી તુરંત જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના કારણે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં ત્રણેય ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.

પરિવારનો માળો વિખેરાયો

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને બાઇક સવાર યુવકોને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન બંને યુવકોએ ટૂંકી આ આખરી શ્વાસ લીધા હતા અને દમ તોડી દીધો હતો. મૃતક બંને યુવકો ભાવનગરના નજીકના અકવાડા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બે જુવાનજોધ દીકરાઓના મોતના સમાચાર ગામમાં પહોંચતા જ અકવાડા પંથકમાં અને પરિવારમાં આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ, અકસ્માત સર્જનાર કાર ચાલકને પણ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને વધુ સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: ટેક્સટાઇલ કંપની અને શેરના નામે ગોંડલના દંપતીએ આચરી રૂ. 6.18 કરોડની છેતરપિંડી

  • Follow us on: