સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ રીતે ગેરકાયદેસર રેતી ખનન આચરવામાં આવી રહ્યું છે. હિંમતનગરના દેરોલ, દેધરોટા સહિતના આસપાસના વિસ્તારોમાં નદીના પટમાંથી 'બાજ નાવડી' (સક્શન બોટ) નો ઉપયોગ કરીને દિવસ-રાત ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવામાં આવી રહી છે. બાજ નાવડીના ઉપયોગથી નદીના ઊંડા પેટાળમાંથી રેતી કાઢવામાં આવતી હોવાથી નદીમાં રહેતા જળચર પ્રાણીઓ અને સ્થાનિક પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.
અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં, અરજદારોની રજૂઆતો એળે ગઈ
સાબરકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા રેતી અને માટી ચોરીના બનાવોને રોકવામાં જિલ્લા ખાણ ખનીજ વિભાગ સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યો છે. સ્થાનિક અરજદારો અને ગ્રામજનો દ્વારા વારંવાર પુરાવા સાથે લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું છે. પોતાની ઓફિસમાં આરામ ફરમાવતા ભૂસ્તર શાસ્ત્રી અને ખનીજ વિભાગના અધિકારીઓની શંકાસ્પદ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
