સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકમાંથી પસાર થતાં નેશનલ હાઇવે 168-G ના નિર્માણ કાર્ય દરમિયાન વિકાસના નામે ગૌચર અને સરકારી પડતર જમીનનો વિનાશ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. શામળાજીથી ભિલોડા, ઈડર અને ખેરાલુ સુધી બની રહેલા આ નેશનલ હાઇવે અંતર્ગત બડોલીથી મણિયોર સુધી બાયપાસ રોડનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં અનેક ખેડૂતોની જમીનો પણ સંપાદિત કરાઈ છે. જોકે આ કામગીરી દરમિયાન ઈડરના મણિયોર ગ્રામ પંચાયત વિસ્તારની કિંમતી ગૌચર જમીનમાંથી કોન્ટ્રાક્ટરો દ્વારા લાખો ટન માટીની ગેરકાયદેસર રીતે ચોરી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
રોયલ્ટી ભર્યા વિના ખોદકામ
આ સમગ્ર મામલે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ગૌચર અને સરકારી જમીનોમાંથી લાખો ટન માટી ઉઠાવી લેવાઈ હોવા છતાં સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સમગ્ર ઘટનાથી તદ્દન અજાણ હોવાનું રટણ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારી તિજોરીમાં એક પણ રૂપિયાની રોયલ્ટી ભર્યા વિના બેફામ રીતે માટી અને રેતીની ચોરી કરવામાં આવી રહી છે. સ્થાનિક રહીશો અને ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે ખાન-ખનીજ વિભાગ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને પ્રાંત અધિકારી સહિતના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ આ ચોરી રોકવામાં અને કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ પુરવાર થયા છે.
