સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા એક ઈજનેર યુવક સાથે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ.37.15 લાખની મસમોટી સાયબર ઠગાઈ આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ઠગબાજોએ યુવકને શેરબજારમાં ટૂંકા સમયમાં 200 ટકાથી વધુ નફો અપાવવાની કથિત લાલચ આપી પોતાની જાળમાં ફસાવ્યો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર ઈજનેરે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બોગસ ટ્રેડિંગ એપ મારફતે રૂ. 37.15 લાખ ટ્રાન્સફર કરાવી લીધા

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ઠગબાજોએ પ્રથમ ઈજનેર યુવકને વ્હોટ્સએપ પર સ્ટોક માર્કેટ ટિપ્સ આપતા એક શંકાસ્પદ ગ્રૂપમાં ઉમેર્યો હતો. ત્યાર બાદ યુવકનો વિશ્વાસ જીતીને તેના મોબાઈલમાં એક વિશેષ ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. એપ ડાઉનલોડ કરાવ્યા બાદ કૌભાંડીઓએ યુવકને આકર્ષક IPO મેળવવા તેમજ શેરબજારની વિવિધ યોજનાઓમાં રોકાણ કરવાના નામે તબક્કાવાર અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.37.15 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઈજનેરે રકમ રોક્યા બાદ જ્યારે નફો કે મૂળ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઠગબાજોએ સંપર્ક વિહોણા થઈ ફોન બંધ કરી દીધા હતા.

સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી ડિજિટલ તપાસ તેજ કરી

ઠગબાજો દ્વારા સંપર્ક તોડી નાખવામાં આવતાં યુવકને પોતાની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આથી યુવકે ત્વરિત ધોરણે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને બનાવ અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે ઈજનેરની ફરિયાદના આધારે ગુનો નોંધીને જે વ્હોટ્સએપ નંબર અને બેંક એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર થયા હતા તેની તાંત્રિક અને ડિજિટલ છાનબીન શરૂ કરી છે. આ સાથે જ પોલીસે નાગરિકોને અજાણ્યા વ્હોટ્સએપ ગ્રૂપ કે સોશિયલ મીડિયા પર શેરબજારમાં અવાસ્તવિક વળતરની લાલચ આપતી એપ્સથી સતર્ક રહેવા અપીલ કરી છે.

આ પણ વાંચો : Surat News : પેપર ચેકિંગમાં ગુલ્લી મારનારા શિક્ષકો સામે DEO લાલઘૂમ, 197 શિક્ષકોને રૂ.3000 નો દંડ અને નોટિસ ફટકારી...