સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની વાર્ષિક પરીક્ષાઓની ઉત્તરવહી મૂલ્યાંકન કામગીરીમાં બેદરકારી દાખવનારા શિક્ષકો સામે લાલ આંખ કરવામાં આવી છે. બોર્ડ પરીક્ષાના પેપર ચેકિંગની અત્યંત મહત્વપૂર્ણ કામગીરી દરમિયાન ગેરહાજર રહેનારા સુરતના 197 જેટલા શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિક્ષણ વિભાગની આ આકરી કાર્યવાહીથી સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

શિક્ષક દીઠ રૂ.3,000 નો દંડ ફટકારાયો

મળતી વિગતો અનુસાર, બોર્ડની પરીક્ષાઓ બાદ નિયત કરાયેલા મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ધોરણ 10 અને 12 ના પેપર ચેકિંગ માટે શિક્ષકોની ફરજ લાદવામાં આવી હતી. જોકે, 197 જેટલા શિક્ષકો પોતાની કાયદેસરની ડ્યુટી છોડીને ગેરહાજર રહ્યા હતા. આ મામલાની ગંભીર નોંધ લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ ગેરહાજર શિક્ષકોને શિક્ષક દીઠ રૂ.3,000 નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત તમામ શિક્ષકોને 9 સપ્ટેમ્બર સુધીમાં પોતાની ગેરહાજરી અંગેનો યોગ્ય અને આધારભૂત ખુલાસો વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

સમયસર પરિણામ અને નિયમોની અમલવારી માટે તંત્રની કડક ચેતવણી

બોર્ડ પરીક્ષાઓની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન સમયસર પૂરું થાય તે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અત્યંત જરૂરી હોય છે. આ કામગીરીમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતી બેદરકારીને ચલાવી લેવાશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. જો 9 સપ્ટેમ્બર સુધીમાં ગેરહાજર રહેલા શિક્ષકો દ્વારા યોગ્ય આધાર-પુરાવા સાથેનો ખુલાસો આપવામાં નહીં આવે તો તેમની સામે વધુ કડક વિભાગીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad News : રિક્ષાચાલકોની હડતાળનો થયો ફિયાસકો! આપસી મતભેદોને કારણે ત્રીજા દિવસે સમય પહેલાં જ આંદોલન સમેટાયું