જામનગર શહેરના બાલાજી પાર્ક પાસે આવેલા સેનાનગર વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડ્રગ્સના ગેરકાયદે વેચાણની ચોક્કસ બાતમીના આધારે એન્ટી નાર્કોટિક્સ સેલની ટીમ દ્વારા સેનાનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ પોતાની ફરજ બજાવવા માટે પહોંચી હતી, પરંતુ ત્યાં છુપાયેલા અસામાજિક તત્વોના મનમાં કાયદાનો કોઈ ડર ન હતો.
પરપ્રાંતીય શખ્સો અને અસામાજિક તત્વોનો પોલીસ પર હુમલો
જ્યારે પોલીસ ટીમ દરોડો પાડવા માટે પહોંચી ત્યારે ત્યાં હાજર પરપ્રાંતીય શખ્સો સહિતના અસામાજિક તત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને એકસંપ થઈને પોલીસ ટીમ પર ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા હતા. અચાનક થયેલા આ હુમલાથી પોલીસકર્મીઓને સંભવિત બચાવની તક પણ મળી ન હતી. આ હુમલામાં પોલીસકર્મી દિવ્યરાજસિંહ જાડેજાને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.

