અમદાવાદ ઓડિટ ભવન ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરે વર્ષ 2024-25ના ઇન્કમટેક્સ રિટર્નની ક્લોઝ થયેલી એસેસમેન્ટ ઓડિટની ફાઇલ ફરીથી રીઓપન નહીં કરવા પેટે રૂ.8 લાખની લાંચની માગણી કરી હતી.જાગૃત નાગરિકની ફરિયાદના આધારે જામનગરમાં હાઇવે પર કારમાં છટકું ગોઠવી એસીબીની ટીમે અધિકારીને લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતા.

8 લાખની લાંચ લેતા અધિકારી ઝડપાયો

અમદાવાદના નવરંગપુરા સ્થિત ઓડિટ ભવન ખાતે ક્લાસ 2 આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર તરીકે ફરજ બજાવતા 44 વર્ષીય વિનસકુમાર અમરચંદ સાવરીયા સામે એન્ટી કરપ્શન બ્યુરોએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કેસની વિગત મુજબ,જાગૃત નાગરિકની કચેરીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા વર્ષ 2024-25નું ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં આવ્યું હતું.આ રિટર્ન સંદર્ભે ઊભી થયેલી ક્વેરીનું નિયમ મુજબ અગાઉ નિરાકરણ આવી ગયું હતું.તેમ છતાં ક્લોઝ થયેલું આ એસેસમેન્ટ ઓડિટ ફરીથી રીઓપન ન કરવાના અવેજ પેટે આરોપી વિનસકુમાર સાવરીયાએ રૂબરૂ મુલાકાતમાં રૂ. 8,00,000ની માગણી કરી હતી.ફરિયાદ પક્ષ લાંચ આપવા તૈયાર ન હોવાથી તેમણે આ મામલે જામનગર લાંચ રુશ્વત વિરોધી શાખાનો સંપર્ક સાધી સમગ્ર ઘટના અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.

ACBએ રંગેહાથ પકડી આગળની કાર્યવાહી હાથ ધરી

ફરિયાદના આધારે જામનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલ તથા સ્ટાફે રાજકોટ એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. સોલંકી અને તેમની કચેરીના સ્ટાફની મદદથી સંયુક્ત છટકું ગોઠવ્યું હતું. જામનગર-રાજકોટ હાઇવે રોડ પર ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં,ત્રિમંદિર જવાના સાઇનબોર્ડ પાસે આરોપીની કારમાં આ છટકું ગોઠવવામાં આવ્યું હતુ.ટ્રેપ દરમિયાન આરોપી વિનસકુમારે ફરિયાદી સાથે લાંચના નાણાં સંદર્ભે વાતચીત કરી કારમાં જ રૂ.8,00,000ની રકમ સ્વીકારી હતી. અધિકારીએ લાંચ સ્વીકારતાં જ એસીબીની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.એસીબીએ આરોપી પાસેથી લાંચની રૂ.8,00,000ની સમગ્ર રકમ સ્થળ પરથી સફળતાપૂર્વક રિકવર કરી કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ PM Modi Speech: ગુજરાતના કાયાકલ્પમાં ભાજપના કાર્યકરોની ભૂમિકા ઓછી નથી