જામનગર જિલ્લામાંથી આરોગ્ય સાથે ચેડા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જામનગર એસ.ઓ.જી. (SOG) ની ટીમે લાલપુર પંથકના આરબલુસ ગામ પાસે આવેલ LC-8 ગેઈટ નજીક કોલોનીમાં દરોડો પાડીને મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત ન હોવા છતાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને દર્દીઓની તપાસ કરતો હતો.
દર્દીઓની સારવાર અને દવાઓ આપનાર શખ્સની ધરપકડ
પકડાયેલ આરોપી પારીતોષ મનોજંય બિશ્વાસ (મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના ડિગ્રી ગામનો વતની) પોતાના દવાખાનામાં દર્દીઓની તપાસ કરીને તેમને દવાઓ અને ઇન્જેક્શન આપતો હતો અને બદલામાં સારવારના નાણાં વસૂલતો હતો. SOGની ટીમે દરોડો પાડીને તેની અટકાયત કરી છે અને લાલપુર પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
