જામનગર પંથકમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લાના રવાણી ખીજડીયા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ધમધમતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર પોલીસે દરોડા પાડીને મોટો પર્દાફાશ કર્યો છે. સોયાબીન તેલ અને ફ્લેવર એસન્સ જેવા હાનિકારક પદાર્થો ભેળવીને અસલી ઘી તરીકે વેચાણ કરવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
સોયાબીન તેલ અને એસન્સમાંથી બનાવવામાં આવતું હતું નકલી ઘી
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ દ્વારા અસલી ઘી જેવો જ દેખાવ અને સુગંધ લાવવા માટે સોયાબીન તેલ, વનસ્પતિ ઘી અને ફ્લેવર એસન્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ નકલી ઘીને નાના-મોટા ડબ્બામાં પેક કરીને બજારમાં સપ્લાય કરવામાં આવતું હતું.
દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી 200 મિલી (ml) ના 2,160 ભરેલા ડબ્બા મળી આવ્યા હતા, જેની કુલ કિંમત અંદાજે રૂ. 5,77,840 આંકવામાં આવી છે. આ ફેક્ટરી ભરત દેશા ખીમસુરીયા અને મનસુખ દેશા ખીમસુરીયાના કબજાવાળી જમીન પર ચલાવવામાં આવી રહી હતી.
500 લીટર નકલી ઘીનો નાશ, બાકીનો જથ્થો સીલ
આરોપીઓની આ ઘૃણાસ્પદ પ્રવૃત્તિ સામે ફૂડ સેફ્ટી ઓફિસર (FSO) અને પોલીસ તંત્ર દ્વારા સખત પગલાં લેવામાં આવ્યા છે. દરોડાની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર જ FSO ની હાજરીમાં 500 લીટર જેટલા બનાવટી ઘીને સળગાવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે બાકી રહેલા 432 લીટર નકલી ઘીના જથ્થાને સીલ કરી દેવામાં આવ્યો છે.

આરોપીઓની પૂછપરછ અને પોલીસ તપાસ ચાલુ
પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ નકલી ઘીની ફેક્ટરી કેટલા સમયથી ચાલી રહી હતી અને આ ઝેરી જથ્થો જામનગર તેમજ આસપાસના કયા કયા વિસ્તારોમાં વેચવામાં આવતો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
આ પણ વાંચો: Jamnagar News: લાખોનો શંકાસ્પદ પાન મસાલા-સિગારેટનો જથ્થો ઝડપાયો, ચાર શખ્સોની ધરપકડ