ગુજરાત રાજ્યની વિવિધ જેલો અને સુરક્ષા સંસ્થાઓને ટાર્ગેટ કરીને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) ની ઓફિસને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તુરંત જ રાજ્યભરની જેલોને એલર્ટ કરવામાં આવી હતી. આ ધમકીમાં કોઈ ચોક્કસ જગ્યા કે જેલનું નામ સ્પષ્ટ ન હોવાના કારણે સાવચેતીના ભાગરૂપે જામનગર, વડોદરા અને મોરબી સહિતની જેલોમાં તાત્કાલિક ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય.
જામનગર, વડોદરા અને મોરબી જેલોમાં ચેકિંગ
જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું હતું, જ્યાં SOG, BDDS (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ) અને ફાયર વિભાગની ટીમો દ્વારા જિલ્લા જેલમાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. આ ઉપરાંત સુરક્ષાના ભાગરૂપે શહેરના પ્રખ્યાત બાલા હનુમાન મંદિર પરિસરમાં પણ વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, વડોદરા જેલ બોમ્બ ધમકી મામલે વડોદરા જેલના સુપ્રીટેન્ડન્ટે નિવેદન આપતા જણાવ્યું હતું કે સવારે જ જેલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો અને ડીજીપી ઓફિસથી જાણ થતાં જ બોમ્બ તથા ડોગ સ્ક્વોડ દ્વારા જેલના પ્રત્યેક બેરેકનું ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું.
