જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ દારૂ બનાવીને વેચવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સિટી B ડિવિઝન પોલીસ સ્ટાફે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બનાવટી દારૂનું ઉત્પાદન કરી વેચાણ માટે ગોઠવાયેલા તખ્તાને નિષ્ફળ બનાવ્યો છે. આ કૌભાંડ સામે આવ્યા બાદ સમગ્ર જામનગર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
બ્રાન્ડેડ ઢાંકણા, સ્ટીકરો જપ્ત
પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી 96 ખાલી બોટલો, મેકડોવેલ નંબર 1 બ્રાન્ડના 270 જેટલા ઢાંકણા તેમજ વિવિધ અન્ય જાણીતી બ્રાન્ડના બનાવટી સ્ટીકરો સહિતનો સાધનસામગ્રીનો જથ્થો જપ્ત કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓને પોલીસ દરોડાની ગંધ આવી જતાં તેમણે ઉતાવળમાં પુરાવાનો નાશ કરવા માટે દારૂ બનાવવા વપરાતું કેમિકલ ગટરમાં વહાવી દીધું હતું તેમજ કેટલીક બોટલો અને ઢાંકણાઓનો જથ્થો સળગાવી દીધો હતો.
