મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર જન્મભૂમિમાં જ રાજ્યની કાગળ પરની દારૂબંધીના ધજાગરા ઉડાવતી એક શરમજનક ઘટના સામે આવી છે. ટંકારાના જાહેર માર્ગ પર નશાની હાલતમાં ધૂત એક શખ્સે ખુલ્લેઆમ હંગામો મચાવ્યો હતો. આ નશાખોરે રસ્તા પર જઈ રહેલા એક આખલાનું ગળું પકડીને તમાશો સર્જ્યો હતો, જેને પગલે રસ્તેથી પસાર થતાં રાહદારીઓ અને સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય તેમજ ફફડાટ વ્યાપી ગયો હતો.

કાયદો અને વ્યવસ્થા સામે સવાલો

આ શરમજનક કૃત્યને પગલે સ્થાનિક રહીશોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર ચોપડે જ રહી ગઈ છે અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે આવા દારૂડિયાઓ અને અસામાજિક તત્વો તદ્દન બેફામ બન્યા છે. જાહેરમાં બનેલી આ ચોંકાવનારી ઘટનાએ ટંકારામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ સામે પણ ગંભીર પ્રશ્નાર્થચિહ્નો ઊભા કર્યા છે.

પોલીસ પાસે કડક અને દાખલારૂપ કાર્યવાહીની પ્રબળ માંગ

મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર ભૂમિની ગરિમાને લજવતા આવા તત્વો સામે ટંકારા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આકરી અને દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે જો આવા નશાખોરો સામે સમયસર કડક પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ જાહેર શાંતિ અને લોકોની સુરક્ષા જોખમાશે.

આ પણ વાંચો : Bharuch LCBની પાલેજમાં મોટી કાર્યવાહી, રૂ.19.28 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઝડપાયો