જામનગર જિલ્લામાં થોડા દિવસો પહેલા પકડાયેલા આશરે અડધા કરોડ રૂપિયાના મસમોટા વિદેશી દારૂકાંડ મામલે પોલીસની કામગીરી અનેક સવાલોના ઘેરાવામાં આવી ગઈ છે. પોલીસ દ્વારા ભલે આ કેસમાં તપાસ તેજ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવતો હોય, પરંતુ ઘટના બન્યાને 7 દિવસ જેટલો લાંબો સમય વીતી જવા છતાં મુખ્ય આરોપીઓ હજુ સુધી પોલીસના હાથમાં આવ્યા નથી. આટલા મોટા પાયે દારૂનું નેટવર્ક ચલાવતા શખ્સો પોલીસ પકડથી દૂર રહેતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નાર્થો સર્જાયા છે.

કુલ 10 આરોપીઓ પૈકી 9 બુટલેગર ફરાર

પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર પ્રકરણમાં કુલ 10 જેટલા શખ્સોની સંડોવણી સામે આવી હતી, જેમાંથી 9 જેટલા કુખ્યાત બુટલેગરો હજુ પણ ફરાર ચાલી રહ્યા છે. આ કેસમાં એક ભાજપના મહિલા નગરસેવિકાના પુત્રનું નામ પણ સામે આવ્યું છે, જે પોલીસ પકડથી દૂર છે. એટલું જ નહીં, આ ગંભીર વિવાદ વચ્ચે સંબંધિત મહિલા નગરસેવિકા ખુદ પણ પોલીસ અને મીડિયા સમક્ષથી સંપર્કવિહોણા થઈ ગયા છે. સત્તાધારી પક્ષના નેતા સાથે સંકળાયેલા તાર અને આરોપીઓની લાંબી ગેરહાજરીને કારણે શહેરમાં રાજકીય ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.

આરોપીઓ ન ઝડપાતા પોલીસ સામે ઉઠ્યા સવાલો

પોલીસની આ પ્રકારે ઢીલી કામગીરીને લઈને જાગૃત નાગરિકો અને વિપક્ષી આક્ષેપો વચ્ચે પોલીસ તંત્ર પર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. આરોપીઓ ઝડપથી ન પકડાતા પોલીસની કુશળતા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે કે શું પોલીસ આરોપીઓને છુપાવવામાં મદદ કરી રહી છે કે પછી તેઓ ખરેખર હાથ નથી આવી રહ્યા. હાલ જામનગર પોલીસ દ્વારા ફરાર આરોપીઓની મિલકતોની માહિતી મેળવવાની સાથે-સાથે અલગ-અલગ ટીમો બનાવીને ગુજરાત અને અન્ય રાજ્યોમાં વોન્ટેડ બુટલેગરોને ઝડપી પાડવા માટે સઘન દરોડા અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabadના ગાર્ડનોમાં સુરક્ષા અધ્ધરતાલ, 322માંથી 200 બગીચા CCTV કેમેરા વગરના...