જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના પંથકમાંથી એક ગંભીર અને સનસનીખેજ ઘટના સામે આવી છે. ભંડુરી ગામમાં ગેરકાયદે દેશી દારૂના ધંધા સામે અવાજ ઉઠાવનાર અને વિરોધ કરનાર વ્યક્તિના ઘરને નિશાન બનાવીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ છવાઈ ગયો છે.
જામગરી બંદૂકથી ઘર પર ચલાવ્યા કારતૂસ
મળતી માહિતી મુજબ, ગામમાં ધમધમતા દેશી દારૂના અડ્ડાઓનો વિરોધ કરવાને કારણે અસામાજિક તત્વો ઉશ્કેરાયા હતા. આરોપીઓએ બદઈરાદા સાથે વિરોધ કરનાર નાગરિકના ઘર પર હુમલો કર્યો હતો અને જામગરી બંદૂક જેવા ઘાતક હથિયાર વડે ઘર પર સરેઆમ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ બનાવથી પરિવાર ભયભીત થઈ ગયો હતો.

માળિયા હાટીના પોલીસની ત્વરિત કાર્યવાહી, બે આરોપી ઝડપાયા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માળિયા હાટીના પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. પોલીસે ત્વરિત અને સક્રિય કામગીરી હાથ ધરીને ગુનાને અંજામ આપનાર મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસ દ્વારા ગુનો નોંધી સઘન તપાસ શરૂ
આ પ્રકરણ અંગે પોલીસે કાયદેસરની કડક કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ આ ગેરકાયદેસર દારૂના નેટવર્ક પાછળ અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને બંદૂક ક્યાંથી આવી તે દિશામાં પોલીસે સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Junagadh News: મેંદરડામાં PGVCLના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું વીજશોકથી મોત, તંત્રની બેદરકારી ઉજાગર