જૂનાગઢમાં મહાશિવરાત્રીના દિવસે રવેડી બાદ મૃગી કૂંડમાં સ્નાન કરતા નાગા સાધુઓની વચ્ચે જઈને ભગવા વસ્ત્રો પહેરી ડૂબકી લગાવનાર વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો વીડિયો વાયરલ થયો હતો. કીર્તિ પટેલે મૃગી કૂંડમાં નાગા સાધુઓ વચ્ચે જઈને ડૂબકી લગાવતા અનેક સવાલો ઉભા થયાં હતાં. તંત્રના અધિકારીઓએ તેને કૂંડમાંથી બહાર કાઢી હતી ત્યાર બાદ તેણે પોલીસ અધિકારી સાથે પણ બોલાચાલી કરી હતી. આ મુદ્દે પ્રાંત ઓફિસરે પણ કાર્યવાહી કરવા અંગે વાત કરી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ

જૂનાગઢમાં મૃગી કૂંડમાં નાગા સાધુઓની વચ્ચે જઈને ડૂબકી માર્યા બાદ વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તંત્રએ બહાર કાઢતાની સાથે જ તેણે મહિલા પોલીસ અધિકારી સામે બબાલ કરી હતી. મૃગી કૂંડમાં સ્નાન કર્યા બાદ વિવાદ થયો હતો. તેણે પોલીસ અધિકારી સાથે ઉગ્રતા પૂર્વક વાત કરી હતી. આ અંગે પીઆઈ કે.જે. મોડે ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલે પોલીસને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. સરકારી ફરજમાં રૂકાવટનો ગંભીર આક્ષેપ કરાયો છે. શાંતિનો ભંગ કરવા બદલ કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરાઈ છે. ભારતીય ન્યાય સંહિતાની નવી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે સોશિયલ મીડિયા સ્ટારની મુશ્કેલીમાં વધારો થયો છે.