ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રમળેચી ગામ નજીક યુવકના શંકાસ્પદ મોતના બનાવે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. મૃતક દલિત યુવા અગ્રણી અને સામાજિક કાર્યકર ભરતભાઈ રમેશભાઈ સોંદરવાના મોતનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે.જુથળ ગામના રહેવાસી ભરતભાઈ સોંદરવાનો મૃતદેહ શનિવારે સવારે રમળેચી ગામના વિસ્તારમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

મૃતકના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા

મૃતકના માથા, પીઠ, હાથ તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. ઉપરાંત ગુપ્ત ભાગ અને ગળાના નજીક પણ ઈજાના નિશાન જોવા મળતા હત્યાની શંકા વધુ ગાઢ બની છે. મૃતદેહને વધુ તપાસ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જોકે પેનલ પી.એમ. રિપોર્ટમાં મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ ન થતા મામલો વધુ ગૂંચવાયો છે.ડોક્ટરોએ શરીર પર મળેલી ઇજાઓને કારણે મોત થયું હોવાનું સ્પષ્ટ કર્યું નથી.

પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી નથી

મૃતકના વિશેરા સેમ્પલ વધુ તપાસ માટે જામનગર મોકલવામાં આવ્યા છે અને પોલીસ હાલ વિશેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે.આ રિપોર્ટ આવ્યા બાદ મોત પાછળનું સાચું કારણ બહાર આવી શકે તેવી શક્યતા છે. પરિવારજનોની ફરિયાદના આધારે તાલાળા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા છતાં હજુ સુધી પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી નથી.

અલગ અલગ શકમંદોની પૂછપરછ

તાલાળા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ, એલસીબી સહિતની ટીમો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અલગ અલગ શકમંદોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે, જોકે હજુ સુધી કોઈ મહત્વપૂર્ણ કડી હાથ લાગી નથી.મૃતક ભરતભાઈ સોંદરવા જુથળ ગ્રામ પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવતા હતા તેમજ સામાજિક ક્ષેત્રે પણ સક્રિય હતા. હાલમાં તાલાળા પોલીસ સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.


આ પણ વાંચોઃ બલોધરથી મોટા કાપરા ગામના હાઇવેને જોડતો રોડ બિસમાર હાલતમાં : હાલાકી