જૂનાગઢમાં ખાદ્ય સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કપાસિયા તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળતાં હાહાકાર મચી ગયો છે. આ તેલનો ઉપયોગ કરીને બનાવેલો ખોરાક ખાવાથી એક જ પરિવારના 3 સભ્યોને ઝેરી અસર થઈ છે. "ઝિલમિલ કપાસિયા તેલ"ના ડબ્બામાંથી આ મૃત ઉંદર મળી આવ્યો હતો, જેના કારણે તેલની ગુણવત્તા અને તેની પેકિંગ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાએ નાગરિકોમાં ખાદ્ય વસ્તુઓની ખરીદી અને ઉપયોગ બાબતે ભયની લાગણી ફેલાવી દીધી છે.
તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
તેલના ઉપયોગ બાદ ત્રણેય લોકોને ઝેરી અસરના લક્ષણો જણાતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે અને તેમની તબિયત હાલમાં તબીબી દેખરેખ હેઠળ છે. આ ઘટનાની જાણ થતાં જ ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું છે. તેમણે "ઝિલમિલ કપાસિયા તેલ"ના ઉત્પાદન અને વિતરણની પ્રક્રિયાની તપાસ શરૂ કરી દીધી છે. ડબ્બામાં ઉંદર કેવી રીતે આવ્યો, તે મુદ્દે કંપની અને સપ્લાય ચેઇનની બેદરકારી અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે.













