જૂનાગઢની મધુરમ સ્થિત આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ અને તેની હોસ્ટેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. શાળાની હોસ્ટેલમાં ધોરણ-12 (સાયન્સ) માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર તેના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ
આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં દોઢ મહિના પહેલાં આ ઘટના બની હતી. ફરીયાદીને દીકરાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જોવા મળ્યો, જેમાં તેનો દીકરો હોસ્ટેલના રૂમમાં હતો અને અન્ય ચાર સિનિયર વિદ્યાર્થીઓ તેને ગાળો આપીને ઢીકા-પાટુંનો માર મારી રહ્યા હતા. આ વીડિયો જોતા જ ફરિયાદીએ તાત્કાલિક તેમના બનેવીને જાણ કરી અને દીકરાને હોસ્ટેલમાંથી ઘરે પાછો લાવવા જણાવ્યું હતું.
સામાન્ય ઝઘડાનું ગંભીર પરિણામ
કબડ્ડી રમતી વખતે થયેલા એક સામાન્ય ઝઘડાનું પરિણામ હતું. આ ઝઘડામાં ભૂલથી ફરિયાદીના દીકરાનો હાથ અન્ય વિદ્યાર્થીને લાગી ગયો હતો. આ વાતનું મનદુઃખ રાખીને પાંચ વિદ્યાર્થીઓએ ભેગા મળીને તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભોગ બનનાર વિદ્યાર્થીને શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે...
શાળા સંચાલકોની બેદરકારી
આ ઘટનાનો સૌથી ગંભીર મુદ્દો શાળા સંચાલકોની બેદરકારી છે. ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારજનોએ કહ્યું કે શાળા સંચાલકોને આ ઘટનાની જાણ બીજા જ દિવસે થઈ ગઈ હતી. તેમ છતાં, તેમણે દોઢ મહિના સુધી વિદ્યાર્થીના પરિવારને કોઈ પણ પ્રકારની જાણ કરી ન હતી. પરિવારે આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, "જો આ છોકરાને કંઈ થઈ ગયું હોત, તો તેની જવાબદારી કોની હોત?" આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ જ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
પીડિતના પરિવારે કરી પોલીસ ફરિયાદ
ઘટનાની જાણ થતા જ વિદ્યાર્થીના પરિવારજનો શાળાએ પહોંચ્યા, પરંતુ સંચાલકોનો ફોન દ્વારા સંપર્ક ન થતાં તેઓ એક કલાક રાહ જોયા બાદ પોલીસ સ્ટેશને ગયા હતા. તેમની મુખ્ય ફરિયાદ શાળા સામે છે, કારણ કે બાળકો ભલે નિર્દોષ હોય, પરંતુ શાળાની આવી બેદરકારી બિલકુલ સ્વીકાર્ય નથી. તેમણે માંગણી કરી છે કે શાળાનું લાયસન્સ રદ થવું જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. તેમણે વધુમાં ચેતવણી આપી છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો તેઓ આગામી પાંચ-દસ દિવસમાં ઉગ્ર આંદોલન કરશે અને શાળાને બંધ કરાવશે.