જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલા પ્રખ્યાત પીપલાણા સ્વામી મંદિર પરિસરમાંથી ગેસના બાટલાની ખુલ્લેઆમ કાળાબજારી થતી હોવાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પવિત્ર ધાર્મિક સ્થળ ગણાતા સ્વામિનારાયણ મંદિરમાંથી જ આ રીતે કાળાબજાર થઈ રહ્યા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકો તેમજ હરિભક્તોમાં આ ઘટનાને લઈને આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.
950 રૂપિયાનો બાટલો 1250માં વેચી ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાનો આક્ષેપ
વાયરલ થયેલા વીડિયોમાં સામે આવેલી વિગતો મુજબ, સામાન્ય રીતે 950 રૂપિયામાં મળતો ગેસનો બાટલો અહીં મંદિરના મહંત દ્વારા 1250 રૂપિયાના ભાવે વેચવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, વીડિયોમાં એવું પણ દ્રશ્યમાન થાય છે કે અમુક જ્ઞાતિના લોકો પાસેથી પૈસા હાથમાં લેવાને બદલે જમીન પર મુકાવીને લેવામાં આવી રહ્યા છે. આ રીતે ગેસ સિલિન્ડર દીઠ 300 રૂપિયા વધુ વસૂલીને ગેરકાયદેસર કાળાબજારી કરવાની સાથે અસ્પૃશ્યતા કે ભેદભાવભર્યું આચરણ કરાતું હોવાના આક્ષેપો સાથે વિવાદ વકર્યો છે.
