નવસારી ખાતે 'ટીબી મુક્ત નવસારી' અને 'ટીબી મુક્ત ભારત'ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્યથી એક વિશેષ સંવેદનશીલ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં જિલ્લાના 780 જેટલા ટીબી દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્દીઓને યોગ્ય પોષક આહાર મળી રહે અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તે હેતુથી આ પોષણ કિટનું વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિત અગ્રણી મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ, નરેશ પટેલ, નવસારીના સાંસદ ધવલ પટેલ તેમજ ભાજપના અન્ય અગ્રણી હોદ્દેદારો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ મહાનુભાવોના હસ્તે દર્દીઓને કિટ અર્પણ કરવામાં આવી હતી અને પીડિતો પ્રત્યે સામાજિક જવાબદારી દાખવવામાં આવી હતી.
