નેપાળમાં સર્જાયેલા ભયાનક જળપ્રલયમાં જીવ ગુમાવનારા લોકોની સચોટ ઓળખ કરવા માટે ગુજરાતના ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ની 10 સભ્યોની એક ખાસ ટીમ નેપાળ પહોંચી ગઈ છે. ભારતના વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા આ મહત્વપૂર્ણ મિશનનું નેતૃત્વ NFSUના ડીએનએ નિષ્ણાત ડો. ભાર્ગવ પટેલ કરી રહ્યા છે. નેપાળ ખાતે પહોંચીને જ ગાંધીનગરની આ ફોરેન્સિક ટીમે સ્થળ પર જઈને મૃતદેહોની ઓળખ માટેની કામગીરી ત્વરિત ધોરણે શરૂ કરી દીધી છે.

Disaster Victim Identification પ્રક્રિયા દ્વારા સચોટ તપાસ

આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ આ જટિલ કામગીરી માટે 'ડિઝાસ્ટર વિક્ટિમ આઇડેન્ટિફિકેશન' (Disaster Victim Identification - DVI) પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જળપ્રલય જેવી હોનારતમાં મૃતદેહો અતિશય ક્ષત-વિક્ષત થઈ જતાં તેમની સામાન્ય રીતે ઓળખ કરવી મુશ્કેલ બની જતી હોય છે. આવા સમયે NFSUની ટીમ ડીએનએ પ્રોફાઈલિંગ અને આધુનિક ફોરેન્સિક ટેક્નોલોજીની મદદથી વૈજ્ઞાનિક રીતે મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરશે, જેથી કોઈ પણ ભૂલ વિના ચોક્કસ પરિણામ મેળવી શકાય.

ગુમ થયેલા સ્વજનોને શોધવામાં પરિવારજનો માટે ટીમ મદદરૂપ બનશે

આ ભયાનક કુદરતી આફત બાદ પોતાના સ્વજનોને ગુમાવી ચૂકેલા અને ગુમ થયેલા લોકોના પરિવારો માટે NFSUની આ કામગીરી અત્યંત રાહતરૂપ સાબિત થશે. જળપ્રલય બાદ અનેક લોકો ગુમ હોવાથી તેમના પરિવારો ભારે ચિંતા અને દુઃખમાં મુકાયા છે. ડીએનએ મેચિંગ દ્વારા મૃતદેહોની ઓળખ પતી જતાં પરિવારજનોને પોતાના સ્વજનો અંગે અંતિમ અને સચોટ માહિતી મળી શકશે. ભારત સરકારની આ સ્પેશિયલ ટીમ નેપાળી તંત્ર સાથે સમન્વય સાધીને આ આપત્તિના સમયે પીડિત પરિવારોને મદદરૂપ થઈ રહી છે.

આ પણ વાંચો : Surat News : રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે મંદિરમાં દર્શનની ના પાડતાં વિવાદ, લોહાણા સમાજની વિરોધ રેલી