જૂનાગઢના જાંબુથાળા સેટલમેન્ટ ગામમાં વન વિભાગના અધિકારીઓના કથિત ત્રાસથી કંટાળીને સલીમભાઈ બ્લોચ નામના આધેડે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આ ઘટના વન વિભાગની ઓફિસમાં જ બની હતી. સલીમભાઈ બ્લોચને ઢોર ચરાવવા બાબતે વન વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, જેનાથી તેઓ ભારે માનસિક તણાવમાં હતા. વન વિભાગના કડક વલણ અને કથિત હેરાનગતિથી કંટાળીને તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ થયું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે.
પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
આ ઘટના બાદ સલીમભાઈના પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમણે મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને જ્યાં સુધી મેંદરડાના RFO વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. પરિવારજનોનો આરોપ છે કે વન વિભાગના અધિકારીઓએ તેમને એટલા હદે હેરાન કર્યા હતા કે સલીમભાઈને આવું પગલું ભરવા મજબૂર થવું પડ્યું. આ મામલે યોગ્ય અને કડક કાર્યવાહીની માંગણી સાથે તેઓએ ન્યાય માટે અવાજ ઉઠાવ્યો છે.













