મેંદરડા (ડેડકડી) રેન્જના જાંબુથાળા સેટલમેન્ટ ગામના એક માલધારી અને એક ખેડૂતે ગત 9 સપ્ટેમ્બરના રોજ વિસાવદર એસીએફ કચેરીમાં ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, બંનેને ગંભીર હાલતમાં જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા, જે બને પૈકી માલધારી યુવાનનું આજે મોડી રાતે સારવાર દરમિયાન મોત થતા પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરીને વનવિભાગ સામે ફરિયાદ નોંધવાની માગ કરી છે.


વન વિભાગે ગુનો નોંધ્યો હોવાથી ડરી ગયા હતા

સમગ્ર હકીકત એવી છે કે, જાંબુથાળાના માલધારી સલીમ ઈસ્માઈલ બ્લોચ ઉ.45 અને ખેડૂત હનીફ દાદમહમદ બ્લોચ બંનેએ 9 સપ્ટેમ્બરના રોજ વિસાવદર એસીએફ કચેરીમાં ઝેરી દવા પી લઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે, વનવિભાગ દ્વારા માલધારીને જંગલમાં વધારાના માલઢોર ચરાવવા માટે લઈ જતા હોવાથી બહાર નીકળવા નોટીસ આપી હતી અને ખેડૂતને માત્ર સુચના આપી હતી. જે બાબતે બંનેને તે દિવસે એસીએફ કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. પરંતુ બંનેને એવું લાગ્યું કે, વનવિભાગ તેમને માર મારશે તેવા ડરથી અને સલીમ સામે તો વન વિભાગે ગુનો નોંધ્યો હોવાથી ડરી ગયા હતા.

સમાજના આગેવાનો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા

વનવિભાગના કથિત ત્રાસને લીધે બંનેએ ઝેરી દવા પી લેતા બંનેને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં હનીફભાઈની તબિયત સારી થતા તેમને રજા આપી દીધી હતી અને સલીમભાઈની હાલત ગંભીર હતી, મણે આજે રાતે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો, જેને લઈને હાલ અહીં ઉપસ્થિત તેમના પરિવારના સભ્યોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરીને વનવિભાગ સામે ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે. ઘટનાને લઈને તેમના સમાજના આગેવાનો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.

મારા ભાઈને એક મહિનાથી કનડગત કરતા હતા : મૃતકના ભાઈ

મૃતક માલધારીના ભાઈ ભીખુભાઈ ઈસ્માઈલભાઈ બ્લોચ (મકરાણી) જણાવ્યું કે, એક મહિનાથી મારા ભાઈ સલીમની પાછળ વનવિભાગના અધિકારીઓ પડી ગયા હતા અને કનડગત કરતા હતા, અમારો ચારપેઢીથી પશુપાલનનો ધંધો ચાલે છે, છતાં વનવિભાગના અધિકારીઓ હેરાન કરતા હતા, જેથી આ બનાવ બન્યો છે. જ્યાં સુધી મારા ભાઈને મરી જવા મજબુર કરનારા સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં અને અમારી ફરિયાદ સાથે જવાબદારોની ધરપકડ અને સસ્પેન્ડ કરવાની અમારી માગ છે.


  • Follow us on: