જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો માટે જાહેર કરાયેલા રાહત પેકેજની સહાય મેળવવાના નામે ગેરરીતિ અને ઉઘરાણાંની ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. જૂનાગઢના બીલખા ગામ ખાતે એક ખાનગી દુકાનમાં બેસીને ચોરવાડી અને માનપુર ગામના ખેડૂતો પાસેથી રાહત પેકેજના ફોર્મ ભરવાના નામે પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા. રાહત પેકેજની કામગીરી સંપૂર્ણપણે નિ:શુલ્ક કરવાના રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીના આદેશનું આ પગલું સરેઆમ ઉલ્લંઘન છે.
ખેડૂતોની મજબૂરીનો ફાયદો
મહત્વનું છે કે, રાહત પેકેજના ફોર્મ ભરવા અને તેની ઓનલાઈન પ્રક્રિયા માટે જરૂરી આઈડી અને પાસવર્ડ માત્ર ગ્રામ પંચાયતમાં વીસીઈ (VCE - Village Computer Entrepreneur) પાસે જ હોય છે. આ ખાનગી દુકાનમાં કોની મદદથી અને કયા આધાર પર આ ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી હતી તે એક મોટો પ્રશ્ન છે. ખેડૂતોની લાચારીનો ફાયદો ઉઠાવીને પૈસા વસૂલવાની આ ઘટનાથી ખેડૂત આલમમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટના અંગે ખેતીવાડી વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને રાહત પેકેજની પ્રક્રિયામાં આ પ્રકારની અનિયમિતતા કરનારાઓ સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે.













