ભારતીય ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત લીંબડી વિધાનસભા મતદાર વિભાગના બે બૂથ લેવલ ઓફિસર (BLO) એ ડિજિટાઇઝેશનના કાર્યમાં ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી કામગીરી દર્શાવી છે. આ બદલ પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ અને મામલતદાર દ્વારા બંને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે બે BLOને બિરદાવવામાં આવ્યા છે તેમાં હુસૈનભાઇ વારૈયા (બૂથ નંબર 18-રળોલ) અને શ્રી હરિરામભાઈ દુધરેજીયા (બૂથ નંબર 213-લીંબાળા)નો સમાવેશ થાય છે.
પારદર્શિતાના પ્રેરણાદાયક BLO
આ બંને BLOએ મતદાર યાદીને સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂપ (E-Digitized) આપવાની કામગીરીમાં 100% સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે મતદાર યાદીના દરેક પાસાને ચોકસાઈ અને ઝડપ સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક અપલોડ કર્યું છે. પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈએ બંને અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, "ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને ચોકસાઈ લાવવા માટે ડિજિટાઇઝેશન એક આવશ્યક પગલું છે. હુસૈનભાઇ અને હરિરામભાઈએ જે નિષ્ઠા અને ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી છે, તે પ્રશંસનીય છે અને અન્ય BLO માટે પ્રેરણારૂપ છે." આ સન્માનથી ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવતા કર્મચારીઓનું મનોબળ વધ્યું છે.













