જૂનાગઢ પોલીસ બેડામાં ભ્રષ્ટાચાર અને તોડકાંડની ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. બી-ડિવિઝન પોલીસ મથકના ડી-સ્ટાફના પાંચ પોલીસકર્મીઓ સામે તોડબાજીના ગંભીર આક્ષેપો ઊઠતાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા (SP) સુબોધ ઓડેદરાએ લાલ આંખ કરી છે. ખાખીને દાગ લગાડનારા આ પાંચેય કર્મચારીઓ સામે આકરાં કડક પગલાં ભરીને તેમની તાત્કાલિક ધોરણે જિલ્લાના અન્ય સ્થળોએ બદલી કરી દેવામાં આવી છે.

ગોકુલેશ ગૌશાળા પાસે જુગારધામ પર રેડ

ઘટનાની વિગત મુજબ, બી-ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ગોકુલેશ ગૌશાળા નજીક ચાલી રહેલા એક જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી આશરે રૂપિયા 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, નીતિ-નિયમો નેવે મૂકીને ડી-સ્ટાફના તોડબાજ પોલીસકર્મીઓએ સરકારી ચોપડે માત્ર 16 હજાર રૂપિયાનો જ મુદ્દામાલ દર્શાવ્યો હતો અને બાકીના 84 હજાર જેટલા રૂપિયા પોતાના ખિસ્સામાં પચાવી પાડ્યા હતા.

મકાન માલિકને બચાવવા માટે પણ પૈસા પડાવ્યા

આટલું ઓછું હોય તેમ, આ તોડબાજ પોલીસકર્મીઓએ જુગારધામ જે જગ્યા પર ચાલતું હતું તે મકાનના માલિક સામે કાયદેસરની ફરિયાદ ન નોંધવા અને કેસમાંથી તેનું નામ બાકાત રાખવા માટે પણ અલગથી નાણાંની માગણી કરી હતી. સમગ્ર મામલો જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાના ધ્યાને આવતા તેમણે આ ગંભીર ગેરરીતિ બદલ આકરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ વિભાગના જ કર્મચારીઓ સામે લેવાયેલા આ કડક પગલાંથી ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : Vadodara News : શિનોર પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર, ખેડૂતોમાં ખુશી