વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં હવામાનમાં આવેલા પલટા સાથે મેઘરાજાની સતત મહેરબાની જોવા મળી રહી છે. વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જ આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવતા સમગ્ર પંથકમાં વરસાદનું આગમન થયું હતું, જેનાથી સ્થાનિકોને બફારામાંથી રાહત મળી છે.
સાધલી, માલપુર અને સેગવા સહિતના ગામોમાં સાર્વત્રિક વરસાદ
શિનોર તાલુકાના સાધલી, માલપુર, સેગવા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીથી મધ્યમ ધારે વરસાદ વરસ્યો હતો. સમગ્ર પંથકમાં વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આજના વરસાદ સાથે જ શિનોર પંથકમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 30.5 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
