જૂનાગઢના કેશોદમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ગંભીર ચેડાં થતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કેશોદની જાણીતી દર્શન હોટલમાં જમવા ગયેલા ગ્રાહકે ઓર્ડર કરેલા ગરમાગરમ સિઝલરની ડિશમાંથી ઈયળ મળી આવી હતી. ખાવાની વાનગીમાંથી ઈયળ જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા અને તેમણે હોટલ સંચાલકો સામે વિરોધ નોંધાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકના આરોગ્ય સાથે રમતો આ ખેલ સામે આવતાં જ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અસ્વચ્છ રસોડું અને હોટલ સંચાલકોની ઘોર બેદરકારી

ઘટના બાદ હોટલના રસોડાની સ્થિતિ અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. કોઈપણ પ્રકારની સ્વચ્છતા જાળવ્યા વિના ધમધમતા રસોડામાં ખોરાક તૈયાર કરવામાં આવતો હોવાની પોલ ખુલ્લી પડી ગઈ છે. હોટલ સંચાલકોની આવી ઘોર બેદરકારીને કારણે નિર્દોષ ગ્રાહકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે મોંઘા ભાવ વસૂલતી હોટલોમાં ખાણીપીણીની ગુણવત્તા અને ચોખ્ખાઈ બાબતે તદ્દન નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે.

ફૂડ વિભાગની નિદ્રાધીન કામગીરી સામે જનરોષ

કેશોદમાં વારંવાર અખાદ્ય અને અસ્વચ્છ ખોરાક પીરસવાના બનાવો બનવા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કુંભકર્ણ નિંદ્રા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકો અને ગ્રાહકોએ માગ કરી છે કે ફૂડ વિભાગ તાત્કાલિક ધોરણે નિદ્રામાંથી જાગીને આ હોટલ પર દરોડા પાડે. આ સાથે જ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારા હોટલ સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી સખત રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Junagadh પોલીસ તંત્રમાં મોટો ફેરફાર, જિલ્લા પોલીસ વડાએ 9 PI અને 8 PSI ની કરી આંતરિક બદલી