ખેડા જિલ્લામાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતર તાલુકાના માછીયેલ ગામે બે અલગ-અલગ ફળિયાના ગરબા સામસામે આવી જવાને કારણે મોટો વિવાદ સર્જાયો હતો. આ મામલે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થવાની માહિતી મળતા જ પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું. જોકે, ત્યાં હાજર ઉત્તેજિત ટોળાએ મામલો શાંત પાડવા આવેલા પોલીસકર્મીઓ પર જ હુમલો કરી દીધો હતો અને પોલીસની સરકારી ગાડી પર પથ્થરમારો કરીને તેના કાચ તોડી નાખ્યા હતા.
પોલીસ સ્ટાફ પર હુમલો
પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે તોફાની તત્વોએ કાયદાનો ડર રાખ્યા વગર ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓ સાથે પણ અતિશય ઉદ્ધતાઈ કરી હતી. એક કોન્સ્ટેબલનો કોલર પકડીને તેમનો યુનિફોર્મ ફાડી નાખવામાં આવ્યો હતો અને તેમને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યા છે. ગરબાના આંતરિક વિવાદ અને ઉત્સવના માહોલ વચ્ચે પોલીસ પર થયેલા આ સીધા હુમલાથી સમગ્ર પોલીસ વિભાગમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો.
