પશ્ચિમ કચ્છ LCB પોલીસને મોટી સફળતા મળી છે. કચ્છમાં લાંબા સમયથી પોલીસથી બચી રહેલા કુખ્યાત બુટલેગર રાસુભા સોઢાને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ‘ઓપરેશન ખોજ’ હાથ ધર્યું હતું. 15 દિવસ સુધી સતત વોચ અને તપાસ બાદ આખરે આરોપીને જંગલ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.

6 વર્ષથી હતો પોલીસની પકડથી બહાર

રાસુભા સોઢા છેલ્લા 6 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસથી બચવા માટે તે સતત પોતાનું લોકેશન બદલતો રહેતો હતો. જંગલ અને ડુંગરાળ વિસ્તારોમાં છુપાઈને રહેતો હોવાની માહિતીના આધારે પોલીસે તેની શોધખોળ તેજ કરી હતી.

અબડાસાથી અંજાર સુધીના વિસ્તારોમાં દારૂની હેરાફેરી

અબડાસાથી અંજાર સુધીના વિસ્તારોમાં દારૂની હેરાફેરી સાથે જોડાયેલા ગુનાઓમાં પણ તેનું નામ સામે આવ્યું હોવાનું પોલીસ તપાસમાં જણાવાયું છે.

પોલીસ બની ખેડૂત અને માલધારી

આરોપીને ઝડપી પાડવા LCB ટીમે અનોખી રણનીતિ અપનાવી હતી. પોલીસ કર્મચારીઓએ ખેડૂત અને માલધારીનો વેશ ધારણ કરીને જંગલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી.

ઝાડીઓ અને જંગલનો સહારો લેતો 

15 દિવસ સુધી સતત આરોપીની હિલચાલ પર નજર રાખ્યા બાદ પોલીસે ખાનાયના જંગલ વિસ્તારમાં તેને ઝડપી પાડ્યો હતો. આરોપી પોલીસની નજરથી બચવા માટે ઝાડીઓ અને જંગલનો સહારો લેતો હતો.

ઝાડીઓની ઓથ લઈ 200 મીટર સુધી પહોંચી ટીમ

આરોપીની હિલચાલની ચોક્કસ માહિતી મળ્યા બાદ LCB ટીમે સાવચેતીપૂર્વક કાર્યવાહી કરી હતી. પોલીસ કર્મચારીઓએ ઝાડીઓની ઓથ લઈને આશરે 200 મીટર સુધી આગળ વધી આરોપીને દબોચી લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ કચ્છના અલગ-અલગ પોલીસ મથકોમાં અનેક ગુના નોંધાયેલા છે.

46 ગુનામાં નામ, 9 કેસમાં હતો ફરાર

રાસુભા સોઢા સામે નલિયા, પધ્ધર, દયાપર, નખત્રાણા, નારાયણ સરોવર અને પ્રાગપર સહિતના પોલીસ મથકોમાં કુલ 46 ગુના નોંધાયેલા હોવાનું જણાવાયું છે. તેમાંથી છેલ્લા 9 પ્રોહિબિશનના ગુનાઓમાં આરોપી ફરાર હતો.

કરોડો રૂપિયાની દારૂની હેરાફેરીનો મુખ્ય સૂત્રધાર 

કરોડો રૂપિયાની દારૂની હેરાફેરીમાં તે મુખ્ય સૂત્રધાર તરીકે સંડોવાયેલો હોવાનો પોલીસનો દાવો છે. હવે તેની ધરપકડ બાદ દારૂની હેરાફેરીના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ તપાસ આગળ વધારી શકાય છે. 


આ પણ વાંચો  :   New York: પાકિસ્તાની પત્રકારે જયશંકરને સવાલ કર્યો, વિદેશ મંત્રીએ કહ્યું- ‘ એક આતંકવાદી દેશ મને આ સવાલ પૂછી રહ્યો છે ?’ Video