ભાવનગર અને પંચમહાલ બાદ હવે મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં આવેલી IIFL સમસ્તા ફાઇનાન્સ (IIFL Samasta Finance) કંપનીમાં મોટું નાણાકીય કૌભાંડ સામે આવ્યું છે. કંપનીના જ આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર દ્વારા જીવિત લોનધારકોના ખોટા મરણના દાખલા (Fake Death Certificates) રજૂ કરી લોન એકાઉન્ટ ક્લોઝ બતાવી રૂ. 12,76,619 ની ઉચાપત આચરવામાં આવી છે. આ અંગે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં જ સમગ્ર વિસ્તારના બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.
32 જીવિત ગ્રાહકોને કાગળ પર મૃત બતાવી ક્લેમના નાણાં પડાવ્યા
મળતી વિગતો અનુસાર, સંતરામપુર IIFL સમસ્તા ફાઇનાન્સમાં આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા પંકજ માલ નામના કર્મચારીએ આ આખું કૌભાંડ રચ્યું હતું. તેણે 32 જેટલા જીવિત લોનધારકોના બોગસ અને ડુપ્લિકેટ મરણના સર્ટિફિકેટ તૈયાર કર્યા હતા. ત્યારબાદ આ ખોટા સર્ટી કંપનીની સિસ્ટમમાં રજૂ કરીને તમામ 32 લોનધારકોની લોન બંધ (ક્લોઝ) કરી દીધી હતી. લોન ક્લોઝરના નામે મળવાપાત્ર ઇન્સ્યોરન્સ ક્લેમ અને અન્ય નાણાં પંકજ માલે બારોબાર હડપ કરી લીધા હોવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે.
