ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામમાં આવેલી પ્રિયંકા ગોલ્ડ કોઈન રેસિડેન્સીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં LCBને મોટી સફળતા મળી છે. બાબુલાલ વાલંગજી ડોડિયારની હત્યા મામલે પોલીસે ભાડૂઆત રાજકુમાર ખેમચંદજી વર્માની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ભાડાના પૈસાની તકરાર અને મકાન ખાલી કરાવવાના વિવાદમાં હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

ભાડાના પૈસાની ઉઘરાણીથી વિવાદ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક બાબુલાલ ડોડિયાર ભાડાના બાકી પૈસાની ઉઘરાણી કરતા હતા. સાથે જ ભાડૂઆતને મકાન ખાલી કરાવવા માટે પણ કહેતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મુદ્દે બંને વચ્ચે તકરાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મકાન ખાલી કરવાની ધમકીથી હત્યાનો આક્ષેપ

મૃતક દ્વારા ભાડાના પૈસા માંગવા અને મકાન ખાલી કરાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું આરોપી દ્વારા પોલીસ પૂછપરછ દરમિયાન જણાવાયું હોવાની માહિતી છે. આ વિવાદ ઉગ્ર બનતા આરોપીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

લોખંડના હથોડાથી માથામાં હુમલો

આરોપીએ લોખંડના હથોડાથી મૃતકના માથામાં ગંભીર ઇજા પહોંચાડી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ આરોપીએ ગળું દબાવી હત્યા કરી હોવાની પણ પોલીસ સમક્ષ કબૂલાત કરી હોવાનું જણાવાયું છે.

હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સથી આરોપી ઝડપાયો

હત્યાના બનાવ બાદ LCBએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ રાજકુમાર ખેમચંદજી વર્માની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીને માણસા પોલીસને સોંપાયો

LCB દ્વારા આરોપીની ધરપકડ કર્યા બાદ તેને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે માણસા પોલીસને સોંપવામાં આવ્યો છે. હવે હત્યાની ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને ઘટનાના અન્ય પાસાઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.  


આ પણ વાંચો   :    Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ... ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ