મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સ્પા અને ગેસ્ટ હાઉસની આડમાં ધમધમતા દેહવ્યાપારના કાળા કારોબાર પર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) એ લાલઆંખ કરી છે. એસએમસીની ટીમે બાતમીના આધારે એકસાથે 5 જેટલા સ્પા અને ગેસ્ટ હાઉસ પર દરોડા પાડીને દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુટણખાનું ચલાવતા અને સંકળાયેલા કુલ 13 જેટલા આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
5 સ્થળોએ એકસાથે દરોડા
SMC ના PI B.H. રાઠોડ અને તેમની ટીમની 5 અલગ-અલગ ટુકડીઓએ ગુપ્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. દરોડા દરમિયાન 'ધ લક્ઝ્યુરી બ્યુટી એન્ડ સ્પા'માંથી સિદ્ધપુરના અજય રમેશભાઈ પ્રજાપતિ અને મહેસાણાના યશ રાવલ સહિત બેની અટકાયત કરાઈ હતી. આ ઉપરાંત 'ધ ગોલ્ડન સ્પા'માંથી 3, 'હોટલ મધુવન ગેસ્ટ હાઉસ'માંથી 4, 'ધ મૂન લાઈટ સ્પા'માંથી 3 અને 'એપ્પલ વન સ્પા'માંથી 1 આરોપી મળીને કુલ 13 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
