મહેસાણા શહેરમાં ટ્રાફિક નિયમન અને રોડ સેફ્ટીના ધજાગરા ઉડાવતો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શહેરના અંડરપાસમાંથી એક કારચાલક નબીરો ખુલ્લેઆમ 180 કિલોમીટર પ્રતિ કલાકની જીવલેણ સ્પીડે કાર હંકારી રહ્યો હોવાનું નજરે પડે છે. જાહેર માર્ગો પર આ પ્રકારે બેફામ સ્પીડે ગાડી ચલાવીને અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકનારા આ કારચાલકના કૃત્યથી સમગ્ર મહેસાણા શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
સોશિયલ મીડિયા પર લાઈક્સ માટે રીલ બનાવી વિડીયો વાયરલ કર્યો
વાયરલ થયેલી રીલમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ યુવકે માત્ર સોશિયલ મીડિયા પર વ્યૂઝ અને લાઈક્સ મેળવવાના ચસકામાં ટ્રાફિક કાયદાઓની તમામ મર્યાદાઓ વટાવી દીધી હતી. અંડરપાસ જેવા સાંકડા અને જોખમી વિસ્તારમાં ગાડીની સ્પીડ 180 સુધી પહોંચાડીને તેણે આ વિડીયો શૂટ કર્યો હતો. ઓવરસ્પીડિંગનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવા બેફામ ડ્રાઇવિંગ કરનારા સામે આકરા પગલાં ભરવાની માગ ઉઠી છે.
