ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે પોતાની મુખ્ય માંગણીઓ ખાસ કરીને જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. કર્મચારી મહામંડળ દ્વારા CM ને સીધું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી પુનઃ લાગુ કરવામાં આવે. લાંબા સમયથી પેન્ડિંગ આ માગણી મુદ્દે સરકારી કર્મચારીઓ હવે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી અને સરકાર સામે આરપારની લડાઈ લડવા સંપૂર્ણ સજ્જ બન્યા છે.
રાજ્યવ્યાપી આંદોલન અને રાજકીય પડકાર
કર્મચારી સંગઠનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન શરૂ કરશે. આટલું જ નહીં, માંગ પૂરી ન થાય તો કર્મચારીઓ સરકારને રાજકીય રીતે પણ મોટો પડકાર ફેંકવાની તૈયારી કરી રહ્યા છે. ચૂંટણીના વર્ષમાં લાખો કર્મચારીઓ અને તેમના પરિવારોનો આ વિરોધ સરકાર માટે રાજકીય ક્ષેત્રે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.
