દિવાળીના તહેવારમાં જ અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. મહેસાણામાં ગઈકાલે એક લકઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. ત્યારે આજે હિટ એન્ડ રનની ઘટનામા ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. બેફામ સ્પીડે આવી રહેલા અજાણ્યા કાર ચાલકે ટુ વ્હિલર ચાલકોને અડફેટે લીધા હતાં. ત્યાર બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.


અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી ફરાર

પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણામાં વડનગર મઢાસણા ચોકડી નજીક બેફામ કાર ચાલકે બાઇક અને એક્ટિવાને અડફેટે લીધા હતાં. જેમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા હતાં અને બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બેફામ કાર ચાલકે અકસ્માતમાં કૂલ પાંચ લોકોને રોડ પર પટક્યા હતાં. આ અકસ્માતમાં વિસનગરના ગુંજા ગામના બે અને વડનગરના ખટાસણા ગામના એક યુવકનું મોત નિપજ્યું હતું.

હિટ એન્ડ રનમાં 3 ના મોત, 2 ગંભીર

સમગ્ર ઘટનાને લઈને વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ફરાર થયેલા કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે. મૃતકોમાં કિશનજી, નિલેશજી અને મહેશજીનો સમાવેશ થાય છે. જ્યારે બે ઈસમોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે ગુનો નોંધીને કાર ચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.


  • Follow us on: