મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડનગરના સબલપુર ગામમાંથી એક ગેરકાયદે કૉલસેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે. જે શેરબજારના નામે રોકાણકારોને છેતરી રહ્યું હતું. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો કોઈપણ પ્રકારના લાઇસન્સ વગર ગેરકાયદે કૉલસેન્ટર ચલાવતા હતા. તેઓ ગ્રાહકોને જુદી જુદી કંપનીઓના એજન્ટ તરીકેની ખોટી ઓળખ આપીને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપતા હતા.
સબલપુર ગામમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું
ગ્રાહકોને ઊંચા વળતરની લાલચ આપીને શેરબજારની ટિપ્સ આપતા અને તેમના નાણાંનું ગેરકાયદે રોકાણ કરાવતા હતા. આ પ્રકારે તેઓ રોકાણકારોના નાણાંનું જોખમી રોકાણ કરાવીને છેતરપિંડી આચરતા હતા. મહેસાણા પોલીસને આ ગેરકાયદે પ્રવૃત્તિની બાતમી મળતા તાત્કાલિક રેડ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.













