મહેસાણાના વિસનગરમાં એક સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે પોલીસે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરી છે. પોલીસે આ જઘન્ય ગુનો આચરનારા તમામ 6 આરોપીઓની ધરપકડ કર્યા બાદ વિસ્તારમાં કાયદાનું શાસન સ્થાપિત કરવા અને ગુનેગારોમાં ડર પેદા કરવા માટે તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આ સનસનાટીપૂર્ણ ઘટનામાં આરોપીઓએ 14 વર્ષીય સગીરાને નિશાન બનાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો હતો.


14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું

પોલીસ પર આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડીને કડકમાં કડક સજા અપાવવા માટે ભારે દબાણ હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલા તમામ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ પોલીસે આ 6 આરોપીઓને પગપાળા મુખ્ય બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર કરીને તેમનું સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. પોલીસે માત્ર સરઘસ જ નહીં પરંતુ આરોપીઓને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે ઘટનાસ્થળે પણ લઈ જવામાં આવ્યા હતા.

તમામ 6 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું

જ્યાં ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ એ છે કે ગુનેગારોને સખત સંદેશ મળે કે આવા કૃત્યો કરનારાઓને સમાજમાં કોઈ સ્થાન નહીં મળે. આ જાહેરમાં સરઘસને કારણે સ્થાનિક લોકોએ રાહત અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. પોલીસે હવે આ કેસમાં ઝડપી ચાર્જશીટ દાખલ કરીને આરોપીઓને કડક સજા થાય તે દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.


  • Follow us on: