મોરબીમાં હનીટ્રેપને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં મૂળ ટંકારા પંથકના વતની અને હાલમાં મોરબી ખાતે રહેતા કરિયાણાના વેપારીને સ્પામાં કામ કરતી હરિયાણા રાજ્યની યુવતી સાથે પરિચય થયા બાદ પરિચય પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો.જો કે, ચાલબાજ પરિણીત સ્પા વર્કરે અપરણિત વેપારીને લગ્નની લાલચ આપી લૂંટવાનું શરૂ રાખી પોતાના છુટાછેડા થશે ત્યારે બાદ લગ્ન કરશે તેમ જણાવી સોનાના દાગીના સહિત 19 લાખ પડાવી લીધા હતા.બાદમાં આ રૂપસુંદરીએ બળાત્કાર કેસમાં ફિટ કરાવવાની ધમકી આપતા હનીટ્રેપની આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રેમમાં પાગલ બનેલા વેપારી સાથે છેતરપિંડી

મોરબીના અનાજ કરિયાણાની દુકાન ધરાવતા વેપારી યુવકે હરિયાણામાં ગુડગાવની વતની આરોપી પ્રિયા ઉર્ફે કાજલકુમારી રામજીભાઈ મહતો (ચૌહાણ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,બેથી અઢી વર્ષ પૂર્વે ફરિયાદી મહેશ હોટલ શનાળા રોડ નજીક આવેલ ઓસમ સ્પામાં જતો હતો ત્યારે તેણી સાથે પરિચય થયો હતો અને મિત્રતા થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો.વધુમાં વેપારીએ ફરિયાદમાં જાહેર કર્યું હતું કે,પોતે અપરણીત હોય તેણી સાથે પ્રેમસંબંધ વધુ ગાઢ બનતા લગ્ન માટે કહ્યું હતું.જો કે,પ્રિયા પરિણીત હોવાથી પતિ સાથે છુટાછેડા થયા બાદ લગ્ન કરશે તેમ જણાવી પોતાને વતનમાં ઘર બનાવવા માટે રૂપિયાની જરૂરત હોવાનું કહેતા રૂ.એક લાખ રોકડા આપ્યા બાદ અનેક વખત તેણીએ પૈસાની માંગણી ચાલુ રાખતા અત્યાર સુધીમાં 19 લાખ રૂપિયા રોકડા તેમજ બેંકમાંથી આપ્યા હતા.પ્રેમજાળમાં ફ્સાયેલા વેપારીએ આઈફોન, સેમસંગ મોબાઈલ, સોનાની ચેઈન, વિટી અને બુટી સહિતના દાગીના પણ લઈ આપ્યા હતા.

વેપારીને લગ્નની લાલચ આપી દિલ્હી બોલાવ્યો

દરમિયાન રૂપસુંદરીએ વેપારીને લગ્નની લાલચ આપી દિલ્હી બોલાવ્યો હતો. પરિવારને હજુ સંબંધની જાણ ન હોવાનું કહી વેપારીને રવાના કરી દીધો હતો અને બાદમાં યુવતી મોરબીમાં સ્પાનું કામ છોડી જતી રહી હતી.વેપારી યુવક સાથે ઝઘડા કરવાનું પણ શરૂ કરી દેતા વેપારીએ પોતે આપેલા પૈસા,ફોન અને દાગીના પરત માંગતા પ્રિયા ઉર્ફે કાજલકુમારીએ ગલ્લા તલ્લા કરી દિલ્હી બોલાવી પોલીસમાં અરજી કરી ફસાવ્યો હતો. વેપારીના વાંધાજનક ફોટો પોતાની પાસે હોવાનું જણાવી બળાત્કાર કેસમાં ફિટ કરી દેવા ધમકી આપતા અંતે વેપારીએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.મોરબીના વેપારીને લગ્નની લાલચે પ્રેમજાળમાં ફસાવી 19 લાખ રોકડા તેમજ સોનાના દાગીના અને ફોન પડાવનાર શાતિર દિમાગ કાજલ કુમારીએ વેપારી વિરુદ્ધ દિલ્હી પોલીસ મથકમાં અરજી કર્યા બાદ સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ બ્રાન્ચમાંથી બોલું છું કહી અજાણ્યા આરોપી મારફત વેપારી યુવક તેમજ તેમના પિતાના ફોનમાં ફોનકરી ડિજિટલ એરેસ્ટનો પણ પ્રયાસ કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ Anand: ધર્મજ રોડ પર રિક્ષા અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત, બાળકીનું મોત અને 3 ગંભીર