આણંદ જિલ્લાના પેટલાદ વિસ્તારમાંથી પસાર થતા ધર્મજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તારાપુરના રહેવાસી એક પરિવારના સભ્યો રિક્ષામાં સવાર થઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે ધર્મજ હાઈવે પર આવેલા પ્રખ્યાત જલારામ મંદિર નજીક એક બેફામ ગતિએ આવતા અજાણ્યા વાહનના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ રિક્ષા પલટી મારી ગઈ હતી અને કૂચડચ વળી ગઈ હતી.
2 વર્ષની બાળકીએ દમ તોડ્યો
આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી માત્ર 2 વર્ષની માસૂમ બાળકી અલીશા દીવાનને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. જોકે, કમનસીબે ગંભીર ઈજાઓના કારણે નાનકડી અલીશાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. 2 વર્ષની વ્હાલસોયી દીકરીનું નજર સામે મોત થતાં પરિવારના સભ્યો પર આભ તૂટી પડ્યું હતું અને હાઈવે ચીસોથી ગાજી ઉઠ્યો હતો.
